બાપુના જોડા
બાપુનો ચહેરો
મને ક્યારેય વાંચતાં ન આવડ્યો.
એ હસતા ત્યારે પણ
મૂછ પાછળ કંઈક સંતાડતા.
એટલે હું
એમના જોડા જોતો.
ચોમાસે
કાદવમાં ખરડાયેલા જોડા
કહેતા: આજે ખેતરે ગયા હતા.
ઉનાળે
ઘસાઈને પાતળા થયેલા તળિયાં
કહેતાં: આજે શહેરમાં
મારી ફીના પૈસા માગવા ગયા હતા.
એક દિવસ
ઉંબરે જોડા
ઊંધા પડ્યા હતા.
એ દિવસે
પહેલી વાર
મેં બાપુનો ચહેરો વાંચ્યો —
એ પણ
છેલ્લી વાર.
હવે ઉંબરે
મારા જોડા પડ્યા હોય છે,
અને મારો દીકરો
મારો ચહેરો નહીં,
જોડા જોયા કરે છે.
– પરાગ રતનપરા