← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાપુજીનાં ચશ્માં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુજી ગયા
ત્યારે બધું વહેંચાયું —
ઘર, ખેતર, બૅંકની પાસબુક,
ને ગામના ચોરે બેઠેલી એમની આબરૂ પણ.

કોઈએ ન માગ્યાં
એ ઘસાયેલી દાંડીવાળાં ચશ્માં,
જે ખીંટીએ લટકે છે હજી
ગઈ કાલનું છાપું વાંચવાની રાહ જોતાં.

આજે અમસ્તાં જ પહેર્યાં —
બધું ધૂંધળું દેખાયું.
પછી સમજાયું:
એમણે આખી જિંદગી
આ કાચની પાછળથી
અમને સ્પષ્ટ જોવા
પોતાની આંખો ઘસી નાખી’તી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆંગળીનો સંસારઆગલો લેખ →છૂટા શેર ૧–૧૫