આંગળીનો સંસાર
આંગળીએ આખો સંસાર, ભાઈ, આંગળીએ આખો સંસાર,
સવારથી સાંજ લગી સ્ક્રીન ઘસું, ને હૈયે ખાલીપો અપાર.
બા બોલાવે ઓસરીએથી: ‘દીકરા, થાળી ઠરી,’
હું ‘લાઈક’ ગણતો બેઠો, ને જિંદગી આખી સરી;
માની સામું જોવાનું નહીં, પણ સ્ટેટસનો ભાર!
આંગળીએ આખો સંસાર…
સો-સો મિત્રો ફોનબુકમાં, હજાર ‘ફૉલોઅર’ મારા,
માંદો પડ્યો તો ખબર કાઢવા આવ્યા પાડોશી બિચારા;
‘ગેટ વેલ સૂન’ના ઇમોજીથી ક્યાં ઊતરે તાવ લગાર?
આંગળીએ આખો સંસાર…
પરાગ કહે: આ ઝીણી સ્ક્રીનમાં ડૂબ્યું આખું ગામ,
ચકલી બેઠી બારીએ, પણ જોવાનું નહીં નામ;
ફોન મૂકીને જો તો ખરો — બહાર ઊભી છે બહાર!
આંગળીએ આખો સંસાર…
– પરાગ રતનપરા