બાપુ
બાપુ,
તમારી તસવીર
હવે ચલણી નોટ પર છે —
એટલે તમે
રોજ લાંચમાં અપાવ છો,
ટેબલ નીચેથી સરકાવાવ છો,
ને ચૂંટણી ટાણે
ઝૂંપડે ઝૂંપડે વહેંચાવ છો.
બીજી ઑક્ટોબરે
અમે તમને હાર પહેરાવીએ છીએ,
ત્રીજી ઑક્ટોબરે
તમને ખિસ્સામાં મૂકીને
કામ કઢાવીએ છીએ.
તમારા ત્રણ વાંદરા
હવે સરકારી ખાતામાં નોકરી કરે છે:
એક ફરિયાદ નથી સાંભળતો,
બીજો ફાઇલ નથી જોતો,
ત્રીજો
સાચું નથી બોલતો.
ને તમારો ચોથો વાંદરો —
જે અમે ઉમેર્યો —
રોજ સવારે
તમારા ફોટાને
અગરબત્તી કરે છે.
– પરાગ રતનપરા