દીકરીની રંગોળી
દીકરી ગઈ સાસરે ને ઘરમાં રહી ગઈ એની રંગોળી,
ઝાડુ ફેરવું તોય ભૂંસાય નહીં, મા રોજ નીરખે ભોળી.
ખીંટીએ લટકે એની ઓઢણી, ઝૂલે ઝૂલો ખાલી,
અરીસે ચોંટી એની બિંદી, જાણે હસતી વ્હાલી;
બાપુ છાપું ઊંધું પકડે, આંખ્યું ભીની ભીની ધોળી…
દીકરી ગઈ…
સવારે ઊઠી ચા મૂકું તો કપ મુકાઈ જાય ચાર,
ગણતાં ગણતાં યાદ આવે, હવે ત્રણ છે આ પરિવાર;
ચોથો કપ હળવેથી પાછો મૂકું, જાણે સંતાડું હું ઝોળી…
દીકરી ગઈ…
પરાગ કહે: દીકરી તો છે આંગણનો તુલસીક્યારો,
બીજે રોપાય તોય મૂળની મ્હેક રહે સંભારો;
એ જ ઘર ઝળહળ રહે જ્યાં દીકરીએ પૂરી રંગોળી…
દીકરી ગઈ…
– પરાગ રતનપરા