← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પોટલાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પોટલાં મેલ્યાં માથેથી ને હૈયું થયું રે ફૂલ,
કેટલાં વરસ ઊંચક્યાં’તાં મેં નકામાં ધૂળ ને શૂળ!

અહમ્‌નું પોટલું, લોભનું પોટલું, ગમા-અણગમાનો ભાર,
કોણે શું કીધું, કોણે શું દીધું, એનો હિસાબ અપાર;
એક એક ગાંઠ ખોલી ત્યાં તો ઊડી ગઈ સૌ ભૂલ…
પોટલાં મેલ્યાં…

નદીએ પૂછ્યું: ‘ભાઈ, તું આટલો કેમ થયો છે ભારે?’
મેં કીધું: ‘તું પણ તો વહે છે પથ્થર લઈને સાથે!’
નદી હસી: ‘હું પથ્થર ઘસું, ને રેતી કરું અમૂલ…’
પોટલાં મેલ્યાં…

પરાગ કહે: આ જીવતર તો છે પીંછા જેવી પાંખ,
ભાર મેલો તો ઊડી શકો, ખુલ્લી રાખો આંખ;
ખાલી હાથે આવ્યા ભાઈ, ખાલી જાવું એ જ કબૂલ…
પોટલાં મેલ્યાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબાપુઆગલો લેખ →રમત છે