← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અવાજ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બેટા,
તારી બૅગમાં
મેં ત્રણ જોડ કપડાં,
એક શાલ,
ને થેપલાંનો ડબ્બો મૂક્યો છે.

જે નથી મૂક્યું
તે આ છે:
રાતે બારણું વાસતાં પહેલાં
‘પપ્પા, લાઇટ બંધ કરું?’
— એ તારો અવાજ.

એ અવાજ
હું અહીં રાખું છું.

રોજ રાતે
ઘરની લાઇટ
હું થોડી મોડી બંધ કરીશ,
જેથી
તારો અવાજ
અંધારામાં
ભૂલો ન પડે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહળવુંઆગલો લેખ →મહાન દેશ