મહાન દેશ
મારો દેશ મહાન છે —
અહીં નદીને મા કહીએ,
ને એમાં જ
ગટર ઠાલવીએ.
અહીં ગાયને માતા કહીએ,
ને એ જ માતા
રસ્તા વચ્ચે
પ્લાસ્ટિક ચાવે.
અહીં નારીને દેવી કહીએ,
ને રાતે નવ પછી
એને
એકલી બહાર ન મોકલીએ.
અહીં બાળકને ભગવાન કહીએ,
ને એ જ ભગવાન
ચાની લારીએ
કપ ધુએ.
મારો દેશ મહાન છે —
અહીં પૂજવામાં
કોઈ કચાશ રાખતા નથી;
બસ,
જીવવા દેવામાં
થોડી વાર લાગે છે.
– પરાગ રતનપરા