પ્રીતનો પાલવ
પ્રીતનો પાલવ ઝાલ્યો, રે હવે પાછું શું જોવું?
જેણે ઘર બાળ્યું, એને શું ખોવું ને શું રોવું?
લોકલાજની ભીંતો તોડી, તોડ્યાં કુળનાં બંધ,
વગડે વગડે ફરતો રહ્યો હું, શોધું એની ગંધ;
કાંટા વાગે તોય હસીને લોહીથી ચરણ ધોવું.
પ્રીતનો પાલવ…
ઝેરના પ્યાલા આવે, તો પણ અમરત જાણી પીવું,
મરવાનું તો સૌને, પણ એના નામે જીવવું;
મોતીની માળા છોડીને આંસુનું મોતી પ્રોવું.
પ્રીતનો પાલવ…
પરાગ કહે: ફૂલ ચડે છે શીશ દઈને દેવે,
ડાળ ભૂલીને મ્હેકે, એ જ સાચું પ્રેમે જીવે;
હાર્યા એ જ જીત્યા, એવું મીઠું સપનું જોવું.
પ્રીતનો પાલવ…
– પરાગ રતનપરા