ફાગ
કાનો કેસૂડે રંગાયો રે, રાધા રંગાઈ ગુલાલે,
વ્રજની ગલીએ ગલીએ ફાગણ નાચે તાલે તાલે.
પિચકારી ભરી દોડ્યો કાનો, રાધા ઓટે સંતાઈ,
ઝાંઝરના ઝણકારે પકડાઈ, કેવી મીઠી ચતુરાઈ!
લાલ ગાલ પર લાલ રંગ, કે શરમ ચડી છે ગાલે?
કાનો કેસૂડે…
ઢોલ ઢબૂકે, ડફ વાગે, ને ગોપ-ગોપીઓ ઘૂમે,
કદમની ડાળીએ કોયલ ફાગણનું ગીત ચૂમે;
ધૂળ ઊડે તો કંકુ થઈને બેસે સૌને ભાલે.
કાનો કેસૂડે…
પરાગ કહે: આ રંગ ધોયો ઊતરે, તો શો રંગ?
જે ન ઊતરે જનમભર, એ શ્યામ તણો સત્સંગ;
મીરાં, રાધા, હું ને તું, સૌ રંગાયાં એક જ વ્હાલે.
કાનો કેસૂડે…
– પરાગ રતનપરા