અત્તરવાળો
માણેકચોકના ખૂણે
કાચની નાની શીશીઓ ગોઠવીને
એ બેસે છે —
ગુલાબ, મોગરો, ખસ, હિના, ચંદન.
રૂના પૂમડે
એ લોકોનાં કાંડાં પર
સુગંધ ઘસી આપે છે.
સાંજે ઘેર જાય ત્યારે
પત્ની કહે છે:
‘તમારામાંથી તો આખા બજારની ગંધ આવે છે.’
એ હસે છે.
એને ખબર છે —
આખો દિવસ બીજાને મ્હેકાવનારના
પોતાના ભાગે
બસ એટલું જ આવે છે:
આંગળીનાં ટેરવાં પર
બધી સુગંધોની
એક ભેગી, ઝાંખી યાદ.
ને એ જ ટેરવાંથી
રાત્રે
એ દીકરીના વાળમાં
હાથ ફેરવે છે.
– પરાગ રતનપરા