અઠ્ઠાણું ટકા
મારા દીકરાને
અઠ્ઠાણું ટકા આવ્યા.
છાપામાં ફોટો,
ટ્યૂશન ક્લાસના હોર્ડિંગ પર મોટો ફોટો,
સોસાયટીમાં પેંડા.
એ જાણે છે
પ્રકાશસંશ્લેષણનું સૂત્ર,
પાણીપતનાં ત્રણે યુદ્ધની તારીખો,
ને ચલણના વિનિમય દર.
ગઈ કાલે
ગામડે દાદાના ખેતરે ગયા.
એણે પૂછ્યું:
‘પપ્પા, આ લીલું લીલું ઘાસ શાનું છે?’
ઘઉં હતા.
દાદા હસ્યા નહીં.
એ ધીમેથી
બે ડૂંડાં તોડી
એની હથેળીમાં મૂકી બોલ્યા:
‘લે, આ બાકીના બે ટકા.’
– પરાગ રતનપરા