અલ્લાબેલી
દીકરો દુબઈ જાય છે.
એરપોર્ટના કાચના દરવાજા પાસે
મા ઊભી છે —
થેલીમાં થેપલાં,
પાલવમાં ગાંઠ વાળેલો
એક રૂપિયો,
અને હોઠ પર
બાપદાદાનો બોલ:
‘અલ્લાબેલી.’
એના બાપુ વહાણવટી હતા.
દરિયો એમને લઈ ગયો
ને ક્યારેય પાછા ન આપ્યા.
આજે
દરિયો નથી,
આકાશ છે;
વહાણ નથી,
વિમાન છે.
પણ માને ખબર છે —
બંદર
ગમે તેટલું દૂર હોય,
દીકરાને
પાછો લાવે છે
માત્ર એક જ પવન:
ઘરની દાળની સુગંધ.
– પરાગ રતનપરા