અગિયાર સેકન્ડ
ફોન કહે છે:
‘સ્ટોરેજ ભરાઈ ગયું છે,
જૂનું કંઈક કાઢી નાખો.’
હું ફોટા ભૂંસું છું,
વીડિયો ભૂંસું છું,
ઑફિસની ફાઈલો,
ફૉરવર્ડ થઈ થઈને આવેલા સુવિચારો…
પણ એક વૉઇસ-નોટ
દર વખતે
આંગળીને અટકાવી દે છે —
અગિયાર સેકન્ડની,
બાનો અવાજ:
‘બેટા, પહોંચીને ફોન કરજે.’
હું પહોંચી ગયો છું, બા.
ફોન ક્યાં કરું?
એટલે
ફોન ભલે ધીમો પડે,
આ અગિયાર સેકન્ડને
હું જવા નથી દેતો.
– પરાગ રતનપરા