કાળો કાનજી
કાળો કાળો કાનજી, તોયે ઊજળું એનું વહાલ,
આંખ્યુંમાં આંજણ થઈ બેઠો નંદજશોદાનો લાલ.
ગામ કહે: ‘એ કાળો, ગોરી, તું તો દૂધ શી ઊજળી,’
હું તો કહું: ‘એ મેઘ છે, ને હું એની જ વીજળી;’
અમે બેઉ જ્યાં ભેગાં, ત્યાં તો આભ ઉડાડે ગુલાલ…
કાળો કાળો કાનજી…
જમનાનું જળ કાળું, તોયે નાહી નાહી ઊજળી,
કાજળ કાળું, તોયે આંખો એનાથી જ રૂપાળી;
કાળી રાતે ચાંદ ઊગે, એ સમજે કોણ આ ચાલ?
કાળો કાળો કાનજી…
પરાગ કહે: કાળા કાનાનો રંગ ચડે જેને એક વાર,
ધોળાં કપડાં ધૂએ તોયે ઊતરે નહીં લગાર;
રાધા, મીરાં, ગોપી સઘળાં એ જ રંગે બેહાલ…
કાળો કાળો કાનજી…
– પરાગ રતનપરા