અબજપતિ
અબજપતિ શેઠે
નવો બંગલો બાંધ્યો —
સત્તાવીસ માળ,
ત્રણ હેલિપેડ,
ઝૂલતો સ્વિમિંગ પૂલ,
અને એક ‘મેડિટેશન રૂમ’.
ગૃહપ્રવેશમાં
હિમાલયથી
એક સાધુ બોલાવ્યા.
સાધુ આવ્યા,
ચારે બાજુ જોયું,
ને ‘મેડિટેશન રૂમ’માં
ચાર ઘડી બેઠા.
શેઠે પૂછ્યું:
‘મહારાજ, કેવી લાગી શાંતિ?’
સાધુ હસ્યા:
‘શેઠ, આ રૂમ તો સરસ છે,
પણ આ રૂમમાં બેસનારો
હજી સત્તાવીસમા માળે
શેરના ભાવ ગણે છે.’
શેઠે તરત
રૂમનું ભાડું
નક્કી કરી નાખ્યું —
‘શાંતિ’ના નામે.
– પરાગ રતનપરા