ખાલી ઘર
સાંજે
ટેલિફોનની ઘંટડી નથી વાગતી,
તોય હું બે વાર ઊઠીને
એને જોઉં છું.
ચા બે કપ બને છે,
ને એક
સિંકમાં ઠંડો થઈને
ઢળી જાય છે.
અરીસા સામે ઊભો રહીને
હું મને
‘આવો, બેસો’ કહું છું,
ને મહેમાનગતિ પૂરી થાય છે.
ટીવી ચાલુ રાખીને સૂઉં છું,
કે જેથી
ઘરને લાગે
કોઈક બોલે છે.
અને આ બધું
કોઈને કહેવાની ઇચ્છા,
ને કહેવા માટે
કોઈ ન હોવું —
એનું નામ
મેં પાડ્યું નથી,
તમે પાડી લેજો.
– પરાગ રતનપરા