આપણે ક્યાં વૃક્ષ છીએ
આપણે ક્યાં વૃક્ષ છીએ
કે મૂળ નાખીને
એક જ જગ્યાએ ઊભા રહીએ?
આપણે તો
ગામડેથી બસમાં ચડીએ,
શહેરના સ્ટેશને ઊતરીએ,
ચાલીમાં ખાટલો ઢાળીએ,
ને દર દિવાળીએ
ગામ પાછા જવાનું વિચારીએ.
મૂળ?
એ તો
સૂટકેસના ખૂણામાં
માના હાથનાં થેપલાંની સાથે
છાપામાં વીંટાળીને
લઈ ફરીએ છીએ.
ક્યારેક રાતે
પતરાના છાપરે વરસાદ પડે,
તો એ મૂળ
થોડાં ભીનાં થઈ
ઊગવાની કોશિશ કરે છે.
– પરાગ રતનપરા