← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આઝાદી ક્યારે?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતના નવ વાગ્યા.
દીકરી હજી ઘેર નથી આવી.

મા બારીએ ઊભી છે,
બાપ છાપું ઊંધું પકડીને બેઠો છે,
ને ઘડિયાળ
દર મિનિટે
એક ટીપું
લોહી ટપકાવે છે.

ફોન લાગતો નથી.

નવ ને દસે
બારણું ખખડ્યું —
‘બસ મોડી પડી, મમ્મી.’

મા કંઈ બોલી નહીં,
બસ
દીકરીના માથે હાથ ફેરવ્યો
જાણે
કોઈ યુદ્ધમાંથી
સલામત પાછા ફરેલા સૈનિકને
જોતી હોય.

દેશ આઝાદ થયો
એને પંચોતેર વર્ષ થયાં.
દીકરીઓ
રોજ સાંજે
દસ મિનિટ મોડી પડીને
એનો હિસાબ માગે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઝૂકું નહીંઆગલો લેખ →ઢીંગલી