← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઢીંગલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢીંગલી ક્યાં રે, મારી ઢીંગલી ક્યાં?
ધડાકે ઘર ગયું, ને ગઈ મારી માડી જ્યાં…

કૅમેરા આવ્યા, ઝબકારા થયા, છાપે છપાણી છબી,
દુનિયા આખી ‘અરે રે!’ બોલી, પછી ગઈ સૌ દબી;
નાની બેનડી પૂછે સૌને: ‘મારી ઢીંગલી ક્યાં?’
ઢીંગલી ક્યાં રે…

ના સમજે એ સરહદ, ધરમ, કે સત્તાનો ખેલ,
એને તો બસ જોઈએ માથે માના હાથનું તેલ;
કોણે છીનવ્યો ઝૂલો એનો, કોણે ચીર્યું આભ ત્યાં?
ઢીંગલી ક્યાં રે…

પરાગ કહે: ઢીંગલી મળી, અડધી બળેલી, ધૂળમાં,
બેનડીએ છાતીએ ચાંપી, જાણે મા મળી ઝૂલમાં;
યુદ્ધ જીત્યું કોણ, ના જાણું, હાર્યું બચપણ ત્યાં…
ઢીંગલી ક્યાં રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆઝાદી ક્યારે?આગલો લેખ →કે'વાય ના