ઝૂકું નહીં
ઝૂંપડી છે, હું કદી દરબારથી ઝૂકું નહીં,
ભૂખ વેઠું, તોય આ સરકારથી ઝૂકું નહીં.
શીશ માગો તો ધરું હું, પ્રેમથી આપું, છતાં
હું ડરીને કોઈની તલવારથી ઝૂકું નહીં.
ઘોર કાળી રાત આવે, ઓલવે દીવા બધા,
એક તણખો થઈ બળું, અંધારથી ઝૂકું નહીં.
લાખ લાવો મ્હેલ, મોતી, રત્નનો ઢગલો ભલે,
સ્વાભિમાની છું, કદી ભંડારથી ઝૂકું નહીં.
આ પરાગે તો ગઝલને શીશ પર રાખી સદા,
એ જ મારો ભાર, બીજા ભારથી ઝૂકું નહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #ખુમારી #સ્વાભિમાન #હિંમત #ગરીબી #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfRespect #Courage #DignityInPoverty #Defiance #ParagRatanpara