આદર્શ નાગરિક
એ આદર્શ નાગરિક હતો.
દર પાંચ વર્ષે મત આપતો,
દર મહિને હપ્તો ભરતો,
દર રવિવારે ટીવી પર
સમાચાર જોઈ ગુસ્સે થતો
ને સોમવારે ભૂલી જતો.
એના આધાર-કાર્ડમાં
એનો ફોટો સાચો હતો,
પાન-કાર્ડમાં સહી સાચી હતી,
બૅન્ક કહેતી: ‘ગ્રાહક સારો છે.’
પાડોશી કહેતા: ‘બિચારો શાંત છે.’
એણે કદી સવાલ ન પૂછ્યો,
કદી લાઇન ન તોડી,
કદી ઊંચા અવાજે ન બોલ્યો.
એ મર્યો ત્યારે
સરકારી રેકર્ડમાં
એક ખાનું ખાલી થયું.
પત્નીએ પૂછ્યું: ‘એ ખુશ હતો?’
— એ ખાનું
કોઈ ફોર્મમાં હતું જ નહીં.
– પરાગ રતનપરા