યાયાવર
શિયાળો બેસે
ને નળ સરોવરે
સાઇબિરિયાથી પંખી આવે છે —
હજારો માઈલ ઊડીને,
કોઈ નકશા વિના,
કોઈ પાસપોર્ટ વિના.
ચાર મહિના
અહીંનું પાણી, અહીંનાં માછલાં,
અહીંનો તડકો.
પછી એક સવારે
ચૂપચાપ પાછાં.
કોઈ પૂછતું નથી:
‘તમારું ઘર કયું?’
હું
પચાસ વર્ષથી
એક જ શહેરમાં,
એક જ ફ્લૅટમાં રહું છું,
ને રોજ રાતે
મારી જાતને પૂછું છું:
‘મારું ઘર કયું?’
યાયાવર તો હું છું;
એ પંખીઓ તો
આખા આકાશને ઘર માને છે.
– પરાગ રતનપરા