← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

યાદ છે ને?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખાટલે બેઠાં બેઠાં ડોશી પૂછે ડોસાને: ‘યાદ છે ને?
પહેલી વાર મેળામાં મેં ઓઢી’તી લાલ ચૂંદડી, યાદ છે ને?’

ડોસો હસીને મૂછે તાવ દઈ બોલ્યો: ‘ભૂલું કેમ કરી?
તેં તો ચકડોળે ચડીને મારી સામું જોયું’તું ફરી ફરી;
ને મેં ગોળની ગાંગડી લીધી’તી, ને તેં ઝૂંટવી’તી, યાદ છે ને?’
ખાટલે બેઠાં બેઠાં…

ડોશી બોલી: ‘દીકરો જનમ્યો ત્યારે તમે નાચ્યા’તા આંગણે,
ને દીકરી વળાવી ત્યારે રડ્યા’તા છાના, ઢોરની ગમાણે;
હવે બેય પરદેશ, ને આપણે બે ઓસરીએ, યાદ છે ને?’
ખાટલે બેઠાં બેઠાં…

પરાગ કહે: આ યાદના દોરે બે જીવ હજીયે ઝૂલે,
દાંત ગયા, ને વાળ ગયા, પણ હાસ્ય હજી ના ભૂલે;
‘કાલે કોઈ એક જ રહેશે…’ — ‘ચૂપ! હજી તો સાંજ છે ને!’
ખાટલે બેઠાં બેઠાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખએ પૂરતુંઆગલો લેખ →છોડી દે