એ પૂરતું
એક પળ ભીની નજરથી સાંભરે, એ પૂરતું,
ભીડમાં ખોવાયલો પણ ઓળખે, એ પૂરતું.
ના ભલે તકતી, ન ફોટો, ના સભા, ના શોક પણ,
છોડ મેં રોપ્યો હતો, એ પાંગરે, એ પૂરતું.
મોત પાછળ ભીડ શાને? ભાષણો શાનાં, ભલા?
કોઈ આંખે એક તારો ટમટમે, એ પૂરતું.
ના ઘડો મૂરત, ન બાંધો દેવળો મારાં કશે,
એક દીવો નામ મારે ઝળહળે, એ પૂરતું.
આ પરાગે ના કશું માગ્યું ખુદા પાસે કદી,
મ્હેક મારી કોઈ શ્વાસે ઓગળે, એ પૂરતું.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્મરણ #સાદગી #સંતોષ #અંતિમઇચ્છા #પરાગરતનપરા
#GujaratiGhazal #RememberMe #Simplicity #Contentment #LastWish #ParagRatanpara