← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિકાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વનમાં
આજે
એક પણ પાંદડું હલતું નથી.

પવન આવ્યો,
ડાળીઓને ખભે હાથ મૂક્યો,
તોય કોઈ બોલ્યું નહીં.

કાબર ચૂપ,
ખિસકોલી ચૂપ,
ઝરણું પણ
પગના અંગૂઠે ચાલે છે.

ગઈ કાલે સાંજે
એક ટ્રક આવી હતી,
લાલ ચોકડીઓ મારી ગઈ
થડે થડે,
ને એની પીઠ પર
પીળા અક્ષરે લખ્યું હતું:
‘વિકાસ’.

વૃક્ષો મૌન પાળે છે.
શોક
પહેલેથી જ
શરૂ થઈ ગયો છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખશરદપૂનમઆગલો લેખ →ઘોડિયું