← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વેરાયેલું કંકુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લગ્ન પછીની પહેલી સવારે
એ અરીસા સામે બેઠી હતી —
સેંથામાં સિંદૂર પૂરતી.

હાથ ધ્રૂજ્યો,
થોડું કંકુ કપાળે વેરાયું.
એ હસી પડી,
ને મેં જોયું —
અરીસામાં
આખું પ્રભાત ઊગી ગયું.

વર્ષો વીત્યાં.
હવે એ સિંદૂર પૂરે છે
ત્યારે હાથ નથી ધ્રૂજતો.

પણ હું હજી
એ વેરાયેલા કંકુની રાહ જોઉં છું —
પ્રેમ
થોડો ધ્રૂજતો હોય
તો જ સુંદર લાગે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનીંદ ક્યાં?આગલો લેખ →તો ગઝલ સારી બને