← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વીસ વર્ષ પછી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વીસ વર્ષ પછી
મારો પૌત્ર
મને પૂછશે:
‘દાદા, “ઓસરી” એટલે?’

હું સમજાવીશ —
ઘરની આગળનો એ ભાગ
જ્યાં તડકો
પહેલાં પગ લૂછીને આવતો.

એ ફોન પર શોધશે,
ને કહેશે:
‘ઓહ, વરંડા!’

પછી પૂછશે:
‘અને “ઓણ સાલ”?’
‘અને “ઢળતી સાંજે”?’
‘અને “વહાલ”?’

હું દરેક શબ્દને
એનું અંગ્રેજી ખમીસ પહેરાવીશ,
ને એ શબ્દો
મારી સામે
પરદેશી મહેમાન જેવા
ચૂપચાપ બેસી રહેશે.

છેલ્લે એ પૂછશે:
‘દાદા, “મા” એટલે?’

ત્યારે
હું કશું નહીં કહું.
બસ,
એને ખોળામાં લઈ
હાલરડું ગાઈશ —
કેમ કે અમુક શબ્દોનો
અનુવાદ નથી થતો,
એની તો
ફક્ત લોરી થાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપથ્થરોનો ઉત્સવઆગલો લેખ →તાર પર