પથ્થરોનો ઉત્સવ
નદી સુકાઈ ગઈ
ત્યારે પથ્થરોએ
પહેલી વાર
એકબીજાનું મોઢું જોયું.
સદીઓથી
પાણી નીચે
સૌ પોતપોતાના ખૂણે
ગોળ થતા રહ્યા હતા —
કોઈની ધાર નહીં,
કોઈનો ખૂણો નહીં,
કોઈનું નામ નહીં.
હવે તડકામાં
સૌ ચમકે છે,
સૌ ગરમ છે,
સૌ જરા અકડાઈને પડ્યા છે —
‘જુઓ, હું કેટલો લીસો!’
ગામલોકો આવે છે,
બે-ચાર ઉપાડી જાય છે
દેવ બનાવવા,
બે-ચાર
કબર પર મૂકવા.
પથ્થરો રાજી છે.
એમને હજી ખબર નથી
કે એમને લીસા બનાવનારી
નદી
હવે નથી.
– પરાગ રતનપરા