વીજળી ગઈ ત્યારે
આખા શહેરની વીજળી ગઈ
તે રાતે
અમે બંને પહેલી વાર
અગાસીએ ગયાં.
ટીવી ચૂપ,
ફોન ડૂક,
પંખો થાકીને ઊભો રહી ગયો.
ઉપર જોયું તો
આકાશ ભરાઈ ગયું હતું —
લગ્નનાં દસ વર્ષમાં
આટલા તારા
અમે ક્યારેય એકસાથે જોયા નહોતા.
તેં ધીમેથી કહ્યું,
‘આ બધા ક્યાં હતા અત્યાર સુધી?’
મેં કહ્યું,
‘અહીં જ.
આપણે જ
અજવાળામાં ખોવાઈ ગયાં હતાં.’
વીજળી પાછી આવી ત્યારે
આખી સોસાયટીએ તાળીઓ પાડી.
અમે બંને
થોડાં ઉદાસ થઈ ગયાં.
– પરાગ રતનપરા