વીડિયો કૉલ
સાત સમંદર પાર સાયબો, ફોનમાં મારો ચાંદ,
સ્ક્રીન ઉપર તો ચૂમી લઉં, પણ ક્યાં ભીડું રે બાથ?
અહીં સવાર ને ત્યાં છે રાત, ઊંઘરેટો એનો સાદ,
‘ખાધું?’ ‘હા, ખાધું’, ‘શું ખાધું?’ — બસ આટલો સંવાદ;
નેટવર્ક તૂટે, ચહેરો થીજે, અધૂરી રહી જાય વાત…
સ્ક્રીન ઉપર તો ચૂમી લઉં…
દીકરો કહે: ‘પપ્પા, આવો’, ને ફોનને આપે બચી,
દાદી પૂછે: ‘ક્યારે આવશો?’, આંખ થઈ જાય કાચી;
ડોલરના ઝગમગાટે ઝાંખી પડી દિવાળીની રાત…
સ્ક્રીન ઉપર તો ચૂમી લઉં…
પરાગ કહે: આ દૂરી તો પૈસાની રે માયા,
વીડિયોમાં તો ચહેરો આવે, ના આવે પડછાયા;
પાછા વળજો, સાયબા, જો’જો, ઢળી ન જાયે જાત…
સાત સમંદર પાર સાયબો, ફોનમાં મારો ચાંદ.
– પરાગ રતનપરા