← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વતનની ચાવી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદાજીના ઓશીકા નીચે
એક કાટ ખાધેલી ચાવી
પચાસ વરસથી પડી છે.

જે ઘરની એ ચાવી છે,
એ ઘર હવે નથી,
એ ગલી હવે નથી,
એ ગામનું નામ પણ
નકશામાં બદલાઈ ગયું છે.

તોય દાદાજી
રોજ રાતે ચાવી હાથમાં લઈ
અંગૂઠાથી
એના દાંતા ગણે છે —
જાણે ઉંબરો, ઓસરી, ઓરડો, માળિયું…

એક દિવસ મેં પૂછ્યું:
‘દાદા, આ ચાવી કયું તાળું ખોલે?’

એ હસ્યા:
‘બેટા, તાળું નહીં,
આ તો મને ખોલે છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકાગળની હોડીઆગલો લેખ →પૂર પછી