પૂર પછી
પૂર ઊતર્યું.
ગામ પાછું આવ્યું
ખાટલા, વાસણ ને ઢોરાં ગણવા.
ઝૂંપડીની દોરી પર
એક નોટબુક
ચીપિયે લટકાવીને
સૂકવી છે.
પાને પાને
શાહી ફેલાઈ ગઈ છે —
ક, ખ, ગ
હવે વાદળ જેવા લાગે છે.
નાનકી એને
રોજ સવારે ઉથલાવે છે,
તડકો બતાવે છે,
ફૂંક મારે છે.
બધું ગયું,
પણ એ કહે છે:
‘મારા અક્ષર તો હજી છે, મા.
થોડા ભીના છે, બસ.’
– પરાગ રતનપરા