વસંત અને ઓફિસ
વસંત આવી,
એવું મને
કૅલેન્ડરે કહ્યું.
ઓફિસની બારીના કાચ પાછળ
એક ગુલમહોર
લાલચટ્ટાક થઈ ગયો છે —
જાણે
કોઈએ
ફાઇલ પર
લાલ શાહીથી લખ્યું હોય:
‘તાત્કાલિક’.
હું
ફાઇલો વચ્ચે
પીળો પડી ગયો છું,
પાનખરનું પાન
જાણે
ખોટી ઋતુમાં
ઊગી નીકળ્યું હોય.
સાંજે
બસ સ્ટેન્ડ પર
એક કોયલ
મારા ફોનની રિંગટોન જેવું
ટહુકે છે.
હું
ખિસ્સું તપાસું છું.
ને પછી
પહેલી વાર
શરમાઈને
ઉપર જોઉં છું.
– પરાગ રતનપરા