વસિયત
આખરી પળ, ઓ સ્વજન, બસ ઘૂંટ પાણી આપજો,
ને પછી કાને ફરીથી ગામ-વાણી આપજો.
જિંદગી આખી ફરી, બે આંખ બાંધીને, ભલા,
રામ, બીજે ભવ મને ના બળદ-ઘાણી આપજો.
ગામને જમવા ન તેડો, ખર્ચ ના કરશો કશો,
કોઈ ભૂખ્યા બાળને મારી કમાણી આપજો.
ના વખાણો, ના બિરુદ, ના હાર ફોટા પર ચડે,
દીકરાને બાપની સાચી કહાણી આપજો.
આ પરાગે જિંદગીભર રાત મ્હેકાવી હતી,
ના ગુલાબો, ના કમળ, બસ રાતરાણી આપજો.
– પરાગ રતનપરા
#ગઝલ #વસિયત #અંતિમઇચ્છા #મૃત્યુ #સાદગી #પરાગરતનપરા
#GujaratiGhazal #LastWish #Death #Simplicity #Legacy #ParagRatanpara