આજે
હતી ઇચ્છા ઘણી કાલે, ચલો પૂરી કરું આજે,
હતો ડર ડૂબવાનો, આ નદીને પણ તરું આજે.
ઘણા વરસે ગયો ના ગામ, બા જોતી હશે રસ્તો,
ચલો, પકડી હવે ગાડી, ઘરે પાછો ફરું આજે.
ઘણાં વર્ષો સુધી ગુસ્સે, ભભૂક્યો વેરની આગે,
હવે મિત્રો તણી છાંયે જરી શીતળ ઠરું આજે.
હતી પૂજા, હતી માળા, હતા મેળા, હતી યાત્રા,
હવે ભૂખ્યા તણી થાળી મહીં રોટી ધરું આજે.
પરાગે ફૂલને પૂછ્યું: ખરી જાશે ભલે કાલે?
કહે: શું? આ હવામાં મ્હેક હું આખી ભરું આજે.
– પરાગ રતનપરા
#ગઝલ #આજ #વર્તમાન #જીવનદર્શન #ઇચ્છા #પરાગરતનપરા
#GujaratiGhazal #LiveToday #PresentMoment #CarpeDiem #Homecoming #ParagRatanpara