← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વર્ક ફ્રૉમ હોમનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઑફિસ ઘરમાં આવી રે ભાઈ, ઑફિસ ઘરમાં આવી,
કૅમેરે તો ટાઈ ને કોલર, નીચે લુંગી લાવી!

સવારે મીટિંગ, બપોરે મીટિંગ, સાંજે મીટિંગ ચાલે,
બા પૂછે: ‘તું કામ કરે છે કે બસ ફોને મ્હાલે?’
‘મ્યૂટ’ દબાવી ખાઉં ભજિયાં, ‘અનમ્યૂટ’ કરી ખાંસું,
બૉસ કહે: ‘શું નેટ ગયું?’ ને હું કહું: ‘હા, સાચું!’
ઑફિસ ઘરમાં આવી…

ચાર બાય ચારના ખૂણામાંથી આખી દુનિયા બોલે,
પાછળ કપડાં સુકાય દોરીએ, છોકરું ‘પપ્પા’ બોલે;
કૂકર સીટી મારે ત્યાં તો ક્લાયન્ટ ચોંકી જાય,
‘સર, એ તો નવું અપડેટ છે!’ — એમ કહી સમજાય.
ઑફિસ ઘરમાં આવી…

પરાગ કહે: આ ઘર પણ ઑફિસ, ઑફિસ પણ હવે ઘર,
રવિવાર ને સોમવારનો ભેદ થયો સરભર;
નોકરી ઘરમાં ઘૂસી ગઈ ને ઘર ક્યાં ગયું ખોવાઈ?
લૅપટૉપ બંધ કરું તોયે મગજ ચાલુ, ભાઈ!
ઑફિસ ઘરમાં આવી…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખતમારી ફિકરઆગલો લેખ →લીમડો