← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વરસાદ પછી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વરસાદ ગયો.

વગડો
હજી
ભીના વાળ ઝાટકતી
કોઈ છોકરી જેવો ઊભો છે.

પાંદડે પાંદડે
ટીપાં
સંતાકૂકડી રમે છે,
ને કેડી
કાદવમાં
પોતાનાં જ પગલાં શોધે છે.

દરેક ખાબોચિયામાં
એક એક આકાશ
પડ્યું છે —
જાણે વાદળ
જતાં જતાં
પોતાના અરીસા
ભૂલી ગયાં હોય.

ને એક ચકલી
એ અરીસામાં ચાંચ બોળીને
આખું આકાશ
પી જાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઉતરાણઆગલો લેખ →વગડાનો વાયરો