વરસાદ પછી
વરસાદ ગયો,
ને ગામ
નાહીને બેઠેલી છોકરી જેવું
ભીના વાળ ઝાટકે છે.
નળિયાં પરથી
છેલ્લાં ટીપાં
ગણતરી કરે છે —
એક, બે, ત્રણ…
જાણે કોઈ ઘડિયાળ
થાકીને ધીમી પડી હોય.
લીમડો
પાંદડે પાંદડે
પોતાનું નામ ફરી લખે છે,
ને ગાય
ધોવાયેલા આંગણમાં
પોતાની ગંધ શોધે છે.
અને ખાબોચિયામાં
ઊંધું પડેલું આકાશ
એક છોકરાની
કાગળની હોડી નીચે
દબાઈને
પહેલી વાર
હસી પડે છે.
– પરાગ રતનપરા