વરસાદ ન ગમે
સાજન, તું પરદેશ ગયો, ને મને વરસાદ ન ગમે,
આંગણે ઝરમર ઝરમર વરસે, ને મારું મન દમે.
ગયે ચોમાસે આપણ બેઉ ભીંજાયાં’તાં ખેતરે,
આ ચોમાસે એકલી ઊભી, ઝૂરું હું ઓસરીએ;
ભીંજાયેલો પાલવ મારો, આંસુ સાથે ઝમે…
સાજન, તું પરદેશ…
મોર ટહુકે ડુંગર ઉપર, મને લાગે ટોણો,
વીજળી ચમકે, દોડું દ્વારે, ત્યાં ઓટલો સૂનો;
પાછી વળું, ને દીવો ઝાંખો, ઠરતો ઠરતો નમે…
સાજન, તું પરદેશ…
પરાગ કહે: વરસાદ તો એનો એ જ, બદલાયું મન,
સાથે હોય તો સ્વર્ગ લાગે, એકલને લાગે વન;
પાછો આવ, તો આભ ફરીથી વરસે મીઠું, ગમે…
સાજન, તું પરદેશ…
– પરાગ રતનપરા