← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોરલો નાચે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગાજે અષાઢી મેહ, ને ડુંગરે મોરલો નાચે રે,
પીંછાંની પાંખ ઉઘાડી, આખું વન ગાજે રે.

ઢેલ ઊભી શરમાતી, નીચાં નેણ ઢાળીને,
મોરલો ફરતો ગોળ ગોળ, ટહુકો ઊંચો વાળીને;
વાદળ ઝૂકી જોતાં, વીજળી તાળી પાડે રે…
ગાજે અષાઢી મેહ…

છોરાં દોડે ખેતર ખેતર, પીંછું એક શોધવા,
દાદી કહે: ‘મોર ન પજવો, એ આવે મેહ બોલાવવા’;
ખેડુ નીરખે આભ, ને હળ લઈને હરખે ભાગે રે…
ગાજે અષાઢી મેહ…

પરાગ કહે: મારા મનનો મોર પણ ક્યાંક સૂતો,
શહેરની ભીંતો વચ્ચે એનો ટહુકો થયો છે જૂઠો;
એક વાર જો ડુંગર જાઉં, તો એ ય ફરી જાગે રે…
ગાજે અષાઢી મેહ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવરસાદ ન ગમેઆગલો લેખ →હું જાઉં ત્યારે