વરસ
હે ઈશ્વર,
તું
મંદિરમાં
બહુ શાંત બેઠો છે.
ક્યારેક
વરસાદ થઈને આવ —
છાપરું તોડીને,
વાડ ઠેકીને,
પરવાનગી લીધા વગર.
મારી પૂજાની થાળી
ઊંધી વાળી દે,
અગરબત્તીનો ધુમાડો
ધોઈ નાખ,
ને મારા ગોખેલા શ્લોકોને
કાદવમાં
રમતા કરી દે.
મને
ભીંજવી નાખ
એટલો
કે છત્રી
મારા હાથમાંથી
શરમાઈને છૂટી જાય.
પછી
હું કશું નહીં માગું —
ફક્ત
તારી સાથે
ખાબોચિયામાં
છબછબિયાં કરીશ,
જેમ નાનપણમાં
માની નજર ચૂકવીને
કરતો.
– પરાગ રતનપરા