← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વળાંક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ સવારે
એ જ વળાંક પર
અમે સામસામે થઈએ —
એ દૂધની થેલી લઈને,
હું છાપું લઈને.

વીસ વરસથી
ન નામ પૂછ્યું,
ન ઘર;
બસ, આંખથી એક નમસ્તે.

ગઈ કાલે
એ ન દેખાયો.
આજે પણ નહીં.

વળાંક એ જ છે,
છાપું એ જ છે,
પણ મારા દિવસમાં
એક ખાડો પડી ગયો છે —
જેનું નામ
મને આજે પણ ખબર નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરમકડુંઆગલો લેખ →ખોદકામ