← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વૈશાખી બપોર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બપોરે
ગામની શેરી
સાપની કાંચળી જેવી પડી છે —
ખાલી, ચળકતી, ને સહેજ સળવળતી.

લીમડા નીચે
એક કૂતરો
પોતાની જ છાયાને
જીભ કાઢીને પીવાની કોશિશ કરે છે.

કૂવાનું દોરડું
થાકીને
ગરગડી પર ઊંઘી ગયું છે,
ને ડોલ
તળિયે પડેલા આકાશને
ક્યારની તાકી રહી છે.

બારીમાંથી
દાદીમાનો હાથપંખો
હજી હવા ઝાડે છે —
જાણે સૂરજને
એક પછી એક ધક્કા મારીને
પાછો મોકલતો હોય.

ને ત્યાં જ
ઓસરીના છાંયે
એક છોકરી
ઠંડા માટલા પર ગાલ મૂકીને
ઊંઘી ગઈ છે;
આખો વૈશાખ
એના સપનામાં
ઘૂંટડે ઘૂંટડે
પાણી બની રહ્યો છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદેખાય ક્યાંથી?આગલો લેખ →શબ્દ આયો