વહેંચણી
ચાલ,
હવે કોઈ ઉપાય નથી,
તો હાથ મેળવી લઈએ.
ના, રડવાનું નહીં —
આપણે સમજદાર છીએ.
તારી ચોપડીઓ
તારા થેલામાં,
મારાં ગીતો
મારી ડાયરીમાં.
બધું
ચોખ્ખું વહેંચાઈ ગયું.
બસ,
પેલી બારી પર
જે ચકલી
રોજ સવારે આવતી,
એને
કોના ભાગે મૂકીએ?
ચાલ,
એ પ્રશ્ન
આવતા જનમ પર
છોડી દઈએ.
– પરાગ રતનપરા