મનનો મૃગ
ઝાંઝવાં પાછળ દોડ મા રે, ઓ મારા મનના મૃગ,
તરસ છીપે ના રેતીથી, ભલે ચમકે સોનેરી ઢગ.
પરદેશી ઝળહળતી ગલીઓ, ડૉલરનાં સપનાં લાલ,
પણ માના હાથની રોટલી જેવો ક્યાં મળે છે માલ?
ઘરને આંગણ વહે છે ઝરણું, ત્યાં તો માંડ તું પગ…
ઝાંઝવાં પાછળ દોડ મા રે…
સોનાનું હરણું જોઈને રામ પણ ભૂલ્યા ભાન,
સીતા ગઈ, ને લંકા બળી, ને રડ્યું આખું રાન;
લોભ લઈ જાશે ત્યાં, જ્યાંથી પાછું ન વળે ડગ…
ઝાંઝવાં પાછળ દોડ મા રે…
પરાગ કહે: ફૂલની ખુશ્બૂ ક્યાંય દૂર ન વસતી,
ભમરો આખું વન ભટકે, ને ડાળે બેઠી હસતી;
તારી તરસનું ઝરણું તારી ભીતર, થા તું સજગ…
ઝાંઝવાં પાછળ દોડ મા રે…
– પરાગ રતનપરા