વહેલો આવજે
મા રોજ કહેતી:
‘વહેલો પાછો આવજે.’
હું હસતો.
ઑફિસ, મિત્રો, ટ્રાફિક,
પછી પરદેશ —
‘વહેલો’ શબ્દ
મારી ઘડિયાળમાં ક્યાંય નહોતો.
પછી એક રાતે
ફોન આવ્યો,
ને હું
પહેલી વાર
ખરેખર વહેલો નીકળ્યો —
પણ
મોડો પહોંચ્યો.
હવે ઘરનો દરવાજો
ખુલ્લો જ રાખું છું.
કદાચ
મા ક્યાંકથી કહે:
‘આવી ગયો? સારું.’
– પરાગ રતનપરા