← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વઘાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પરદેશની યુનિવર્સિટી,
ત્રીજા માળનો ડૉર્મ રૂમ.
મેં પહેલી વાર
જાતે દાળ બનાવી —
પાણી વધુ, મીઠું ઓછું,
હળદર એટલી
કે આખું તપેલું પીળું થઈ ગયું.

વીડિયો કૉલ પર બાને બતાવી.
બા હસી:
‘વઘાર ક્યાં?’

હું ચૂપ.
અહીં બધું મળે છે —
ડિગ્રી, ડૉલર, ડિઝનીલૅન્ડ —
બસ, વઘારનો એ ‘છમ્મ’
મળતો નથી,
જે સાંભળીને
ઘરમાં સૌ જાણી જતા
કે બા રસોડામાં છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપડાવઆગલો લેખ →કોરો કાગળ