← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વડના છાંયડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓટલા, ચોપાટ, હુક્કો, ગામ વડના છાંયડે,
ખાટલે ડોસા કરે આરામ વડના છાંયડે.

સાંજ પડતાં ગામનો બાવો ભજન ગાતો હતો,
ઝૂમતાં સૌ ગાય: ‘સીતારામ’ વડના છાંયડે.

વાંદરાં જેવાં ચડે છે ડાળ પર સૌ છોકરાં,
ને ઢળી જાતી ખબર વિણ શામ વડના છાંયડે.

એ જણાં ક્યાં છે? ખબર ના, થડ ઉપર છે આજ પણ
કોતરેલાં દિલ અને બે નામ વડના છાંયડે.

કાપવા આવ્યા વિકાસે રોડ કરવા ત્યાં ‘પરાગ’,
આખરી દિન ગામ લે વિશ્રામ વડના છાંયડે.

– પરાગ રતનપરા

#ગઝલ #વડલો #ગામડું #સ્મૃતિ #વિકાસ #પરાગરતનપરા
#GujaratiGhazal #BanyanTree #VillageLife #Nostalgia #VanishingVillages #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખફુગ્ગાવાળોઆગલો લેખ →કાચની બંગડી