વચન
રામે
એક વચન પાળવા
ચૌદ વર્ષ વનવાસ વેઠ્યો.
આજે
મંચ પરથી
એક જ સાંજે
ચૌદ વચનો અપાય છે —
પાણી, વીજળી, રસ્તા,
નોકરી, દવા, ગૌરવ…
ને
પાંચ વર્ષ સુધી
વનવાસ
પ્રજા વેઠે છે.
ગામના પાદરે
જૂના મંદિરમાં
રામ
ધનુષ્ય ખભે મૂકીને
ચૂપચાપ ઊભા છે.
હમણાં હમણાં
પૂજારી કહે છે
કે રાતે
મંદિરમાંથી
ધીમું ધીમું
હસવાનો અવાજ આવે છે —
કે પછી
રડવાનો?
પૂજારીને પણ
ખાતરી નથી.
– પરાગ રતનપરા